JAY SAINATH

21 August, 2013

ભારતમાં મુદ્રણકળાના પ્રકાશનની પ્રારંભભૂમિ ગોવા


P.R
ભારતમાં પણ મુદ્રણવિદ્યાના આગમન બાદ પત્રકારત્‍વ અને પુસ્‍તક, ચોપાનિયા, સાપ્‍તાહિકો અને દૈનિકો જેવા વિવિધ તબક્કાઓનું પ્રકાશનકાર્ય શરૂ થયું હતુ. યુરોપ અને જર્મનીમાં આરંભ થયેલ મુદ્રણ પધ્‍ધતિ, ભારતમાં ૬ સપ્‍ટેમ્‍બર-૧૫૫૩ના દિવસે શરૂ થયાનું સમર્થન વિવિધ વિદ્વાનોના સંશોધનો પરથી કરી શકાય છે. ઇસાઇ ધર્મપ્રચારકોને પોતાની રાજકીય વગ વિસ્‍તારવા અને ઇસાઇ ધર્મના પ્રચાર માટે મુદ્રણ સાહિત્‍યના પ્રસારની આવશ્‍યકતા વર્તાતી હતી.

ભારતમાં મુદ્રણકળાના પ્રકાશનની પ્રારંભભૂમિ ગોવા છે, જયાં સ્‍પેનના વતની Joao de Bustamante એ પ્રકાશન અંગેની સામગ્રી લાવી હતી. તે ૧૫૫૬માં ઇસાઇ ધર્મપ્રચારકો સાથે ભળ્‍યો હતો. ભારતમાં છાપખાનું ગોઠવી આપવા માટેની મદદ અર્થે પોર્ચ્‍યુગીસ રાજાએ એક મૂળ ભારતીયને પણ મોકલ્‍યો હતો. ભારતીય લિપિમાં બીબા બનાવવાનું શ્રેય જોઆઓ ગોન્‍સેલ્‍વસને ફાળે જાય છે. તે પણBustamante સાથે ગોવા આવેલો અને તેણે મલબારી અક્ષરોના બીબા બનાવેલા.

સોળમી સદીમાં ગોવામાં છપાયેલા લગભગ ૧૩ પુસ્‍તકોનો નિર્દેશ પ્રાપ્‍ત થાય છે, જયારે સતરમી સદીમાં ૨૧ પુસ્‍તકો પ્રાપ્‍ત થાય છે. જો કે દેવનાગરી લિપિના બીબા છેક ઓગણીસમી સદીના ઉતરાર્ધમાં તૈયાર થયેલા.

ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીના દલાલ ભીમજી પારેખે દેવનાગરી પુસ્‍તકો પ્રસિધ્‍ધ કરવાના ઇરાદાએ કંપની સરકારની ડિરેક્‍ટરોની કોર્ટને સન ૧૬૭૦માં એવી મતલબની અરજ કરી હતી કે, એક કુશળ મુદ્રકને ત્રણ વર્ષ માટે હિંદ મોકલવો, જેના ખર્ચના વાર્ષિક પચાસ પાઉન્‍ડ આપવાને બંધાતો હતો. આ અરજ માન્‍ય રાખી લંડનની ડિરેક્‍ટરોની કોર્ટે હેન્રી હિલ નામની વ્‍યક્‍તિને મુંબઇ ટાપુ માટેનો મુદ્રક ઠરાવી મુંબઇ રવાના કર્યો હતો. મજકૂર હેન્રી હિલ સન ૧૬૭૪માં છાપકામ માટેનું યંત્ર, ટાઇપ, કાગળ વગેરે લઇને મુંબઇ આવ્‍યો હતો.

પરંતુ દેવનાગરી ટાઇપ પડાવી ધાર્મિક પુસ્‍તકો છાપવાની તમન્‍નાવાળા ભીમજી પારેખને હેન્રી ખાસ ઉપયોગી ન બન્‍યો, તે તો માત્ર છાપકામ જ કરી શકતો હતો. માટે પારેખે ફરી કોર્ટ ઓફ ડિરેક્‍ટર સાથે પુનઃ પત્રવ્‍યવહાર શરૂ કર્યો પરિણામે સન ૧૬૭૮માં બીબા પાડી શકે એવા આસામીનું હિંદમાં આગમન થયું. જો કે તેની પુસ્‍તક છાપકામ કે અન્‍ય કોઇ વિગત ઉપલબ્‍ધ નથી. વળી એ પછી એક સદીના ગાળા દરમિયાન એ દિશામાં થયેલ કાર્યોની માહિતી પણ મળતી નથી.

હિંદુસ્‍તાનમાં પ્રથમ છાપખાનું શરૂ કરવાનું માન, મુંબઇ અને બંગાળ એમ બંનેને ઘટે છે. સર ચાર્લ્‍સ વિલ્‍કિન્‍સ નામના વિદ્વાને સને ૧૭૭૮માં બંગાળામાં છાપખાનું શરૂ કર્યુ હતુ. હેલ્‍ડ હેડનું બંગાળી વ્‍યાકરણ એ બંગાળામાં પ્રથમ છપાયેલું પુસ્‍તક છે.

લગભગ આ જ સમયગાળા દરમિયાન મુંબઇમાં કોઇ રૂસ્‍તમજી કેરસાસ્‍પજી નામના પારસીએ પ્રથમ છાપખાનું કાઢ્‍યું હતુ. તેમણે સને ૧૭૮૦માં પેલા પંચાગનું છાપકામ પ્રગટ કર્યુ હતુ.

સને ૧૭૯૭ એ ગુજરાતી બીબાનું જન્‍મવર્ષ ગણી શકાય છે અને તેને જન્‍મ આપનાર એક પારસી છે. છાપકલા અને છાપખાનું કાઢવાના વિચારનું તથા નાગરી અક્ષરો બનાવવાનું માન તો ભીમજીને છે. નાગરી અને ગુજરાતીના ઉત્‍પાદક અનુક્રમે એક વાણીયો અને એક પારસી છે.

સન ૧૭૯૭માં બોમ્‍બે કુરિયરમાં છપાયેલા ગુજરાતી બીબાનો નમૂનો આજે હાથ લાગતો નથી, પરંતુ સન ૧૮૦૮માં ગ્‍લોસરી નામનું અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી એ ત્રણે ભાષાના બીબા વડે તૈયાર થયેલું ડ્રમંડ રચિત વ્‍યાકરણ ગુજરાત વર્નાક્‍યુલર સોસાયટીના સંગ્રહમાં છે.

No comments:

Post a Comment